Latest

Sunday, November 3, 2024

દિવાળીમાં ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળ!

દિવાળીના તહેવારોની સાથે સ્કૂલ-કોલેજોમાં વેકેશન પણ શરૂ થઈ ગયું છે. તહેવારોની ઉજવણી પછી ફરવા માટે ઓછા દિવસો રહે છે, પણ રજાના દિવસોમાં ફરવા ન જાય તો ગુજરાતીઓ શાના?

ગુજરાતીઓ હરવા-ફરવાના શોખીન છે એ તો આખી દુનિયા જાણે છે. શનિ-રવિની બે દિવસની રજાઓમાં પણ આબુ, દીવ-દમણ જેવી જગ્યાઓએ ફરવા નીકળી પડતા ગુજ્જુ સહેલાણીઓ આ વખતે પણ દિવાળીના વેકેશનમાં નીકળી પડ્યા છે અને ગુજરાતના વિવિધ ફરવા-જોવા લાયક સ્થળો કીડીયારાની જેમ ઉભરાઇ રહ્યા છે.

 

આજે એવા સ્થળો વિશે જાણીએ, જ્યાં લોકો પરિવાર, મિત્રો સાથે દિવાળી વેકેશનની મજા માણવા સૌથી વધુ ઉમટી પડે છે. ક્યા છે એવા દસ પ્રવાસન સ્થળ, જ્યાં આ દિવસોમાં સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવે છે?

દ્વારકા

દિવાળીના સમયમાં ફરવા માટે દ્વારકા શ્રેષ્ઠ સ્થળ છે. દ્વારકા એક પ્રાચીન શહેર છે, જેને ભગવાન કૃષ્ણના નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દ્વારકાધીશ મંદિરની શાંતિમય આભા અને કિનારા પરના આકર્ષક નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. એટલું  જ નહીં દ્વારકાથી 11-15 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચ ગુજરાતીમાં હોટ ફેવરીટ છે. ભારતમાં સૌથી વધુ બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ બીચમાંથી એક છે. જ્યાં વોટર સ્પોર્ટ્સ, સ્કુબા ડાઈવિંગ, કેનોઇંગ અને બોટ રાઈડિંગ પણ થાય છે. જે પ્રવાસીઓને એક અનોખો સમુદ્ર અનુભવ આપે છે. જેના કારણે દ્વારકા આવીને દર્શન અને મોજ-મસ્તી બન્નેને અનુભવ કરી શકાય.

સોમનાથ

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એટલે સોમનાથ મહાદેવ. સોમનાથ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલુ પ્રખ્યાત યાત્રાધામ છે. દિવાળી વેકેશનમાં ફરવા માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પણ ખરા. સોમનાથ મંદિર નજીક ફરવા માટે ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

અંબાજી

અંબાજી મંદિરમાં દિવાળીના દિવસોમાં ભક્તો અને પ્રવાસીઓની ભીડ રહે છે. આ પાવન તીર્થસ્થળે દર્શન કરવા આવનારાઓ આ પર્વમાં મંગલમય વાતાવરણનો આનંદ માણે છે. દિવાળી દરમિયાન અંબાજી મંદિરમાં અને આજુબાજુના વિસ્તારોમાં રંગીન દીવડાંઓથી ઝળહળતી શોભા, સંગીત, અને ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન થાય છે, જે દર્શન સાથે ફરવા આવનારાઓને વિશેષ આનંદ આપે છે. અંબાજી ખાતે જઇને લોકો દર્શન કર્યા પછી આજુબાજુના દર્શનીય સ્થળો પણ જોવા જતાં હોય છે.

ડાકોર

સામાન્ય રીતે ડાકોરમાં તો બારે મહિના ભક્તોની ભીડ રહેતી હોય છે. પરંતુ દિવાળી પર્વ પર ખાસ કરીને ભાવિકો દર્શન કરવા જતા હોય છે. ડાકોરના ઠાકોરના દર્શન કરી, ગોમતી ઘાટે પવિત્ર સ્નાન કરી ભક્તિની સાથે ફરવાનો પણ આનંદ માણે છે. દિવાળીના સમયે ડાકોરમાં સ્થાનિક મેળાઓનું આયોજન થાય છે, જ્યાં લોકો હસ્તકલા, ખાધ્ય સામગ્રી અને કલાત્મક વસ્તુઓની ખરીદી માટે આવે છે.

પાવાગઢ

ગુજરાતમાં આવેલા પાવાગઢ પર્વત પર દિવાળીના સમયે ધાર્મિક કાર્યક્રમો અને આરતીનું આયોજન કરવામાં આવે છે. પાવાગઢના આસપાસના મનોહર દૃશ્યો અને હરિયાળી, પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીંની શાંતિ અને શાંતિ, દર્શનના અનુભવને વધુ મીઠું બનાવે છે. દિવાળી દરમિયાન, પાવાગઢમાં જતા લોકો માટે રહેવા અને ભોજનની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં સ્થાનિક હોટલ અને દક્ષિણ ભારતમાં અલગ અલગ પ્રકારના ખોરાક પીરસતા સ્થળો છે. ખાસ કરીને પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા ભક્તો રોપવેની પણ મજા માણે છે. તો નજીકમાં આવેલા ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની મુલાકાત લઈ ફોટોગ્રાફી કરવાનું પણ ચુકતા નથી.

 સાપુતારા

ચોમાસા બાદ શિયાળાની ઠંડીમાં સાપુતારા હિલ સ્ટેશન પર માઉન્ટ આબુ જેવો અનુભવ થાય છે. સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતનું એકમાત્ર હવા મથક છે. સાપુતારાનો મતલબ નાગનું ઘર છે. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું સાપુતારા હિલ સ્ટેશન અદભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. સાપુતારામાં ઘણા આકર્ષક સ્થળ છે. જેમાં હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, સનસેટ પોઈન્ટ ઉપરાંત, સાપુતારા તળાવનો સમાવેશ થાય છે. જ્યારે સાપુતારા જતા રસ્તામાં વધઈ ગાર્ડન, ગીરા ધોધ, સપ્તશૃંગી ગઢ પણ ફરવા માટે બેસ્ટ છે.

દીવ-દમણ

નેચર લવર માટે દીવ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. દીવમાં ઘણા સુંદર બીચ ઉપરાંત અનેક ઐતિહાસિક ઇમારતો છે. દીવમાં નાગોઆ, ધોધલા બીચ અને જલંધર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. પ્રવાસીઓ દીવમાં પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઈડની મજા લઈ શકે છે. તો વળી દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો જોવાલાયક સ્થળો છે. ટુંકમાં દિવાળીમાં દીવ ગુજરાતીઓ માટે હોટ ફેવરીટ સ્પોટ છે.

જયારે છેલ્લા કેટલાક સમયથી વલસાડને અડીને આવેલું નાનકડું દમણ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં દમણના કાયાપલટ બાદ દમણના બીચ અને સી રાઈડસ ગોવાને પણ ટક્કર આપી રહ્યા છે. મીની ગોવા તરીકે જાણીતા દમણમાં દિવાળી વેકેશનનામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. દમણમાં આવેલ દેવકા, જમ્પોર, લાઈટ હાઉસ બીચની સાથે ઐતિહાસિક કિલ્લાઓ અને ચર્ચ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે. દમણના બીચની હવે કાયાપલટ થઇ ગઈ છે. અગાઉ માત્ર સસ્તી બિયર અને દારૂ માટે જાણીતું દમણ હવે હકીકતમાં પ્રવાસીઓને વિશ્વ કક્ષાના બીચ પૂરા પાડી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

વડોદરા નજીક નર્મદા કિનારે આવેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાલાયક સ્થળો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલની ગગનચુંબી મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી, બટરફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા ક્રૂઝ, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, વિશ્વ વન, ઇકો બસ ટુરિઝમ, યુનિટી ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, કેકટસ ગાર્ડન જોવાલાયક છે.

સાસણગીર

જંગલમાં ફરવાની મજા લેવી હોય તો દિવાળી સમયમાં સાસણગીર જવાનો પ્લાન બનાવી શકો છો. ગીર નેશનલ પાર્ક, એશિયાઈ સિંહોનું હોમ ટાઉન છે.  વિશાળ જંગલ અને બાયોડાયવર્સિટી માટે જાણીતું છે, જ્યાં મૃગ, ચિતલ, હરણ અને અન્ય પશુઓની ઘણી જાતો જોવા મળે છે. જીપ સફારી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે.  આ ઉપરાંત ગીરમાં આવેલું કાન્કઈ માતાનું મંદિર પણ મહત્વનું ધાર્મિક સ્થળ છે, જ્યાં મુલાકાતીને શાંતિ અને પ્રકૃતિનો આનંદ માણવા મળે છે. અહીં કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો અનોખો અનુભવ મેળવી શકાય છે.

કચ્છ- ભુજ- માંડવી

દિવાળી સમય પર કચ્છમાં સફેદ રણની મુલાકાતે સમગ્ર ગુજરાતની સાથે દેશ-વિદેશથી પણ લોકો આવે છે. કચ્છની સાથે ધોળાવીરા કે જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું ખોદકામ કરેલુ ત્યાં પણ જઈ શકાય. જેની મુલાકાત લઈ શકાય છે. આ સાથે જ કચ્છ મ્યુઝિયમ, માંડવી બીચ, ભુજનો આઈના મહેલ, કંડલા-મુંદ્રા બંદર, નારાયણ સરોવર, હમીરસર તળાવ, માતાનો મઢ, પ્રાગ મહેલ અને કાળા ડુંગરની મુલાકાત લઈ શકો છો.

હેતલ રાવ



from chitralekha https://ift.tt/jMw38dQ
via

No comments:

Post a Comment

Pages