Latest

Wednesday, May 22, 2019

એક્ટર અંશ અરોરાની વધી મુસબીત, રાયોટિંગ બાદ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

અંશ સામે નોંધાઈ હત્યાના પ્રયાસની ફરિયાદ

 

આશિની ધાઓર, નિહારિકા લાલ: ટીવી એક્ટર અંશ અરોરાએ 12 મેના રોજ વૈશાલીમાં આવેલા શોપરિક્સ મોલના એક સ્ટોરમાં તોડફોડ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ત્યારે હવે અંશ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. 20 મેની મધ્યરાત્રિએ એક્ટર સાથે સંબંધ ધરાવતા 6 બુકાનીધારીઓએ સ્ટોર પર ગોળીબાર કર્યો હતો. ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સંદીપ સિંહે કહ્યું, “સ્ટોરના સ્ટાફે નોંધાવેલી ફરિયાદ મુજબ, અંશ અરોરા અને 5-6 અજાણ્યા શખ્સો સામે IPCની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 147 (રમખાણો માટે સજા), 148 (હથિયારો સાથે લઈ રમખાણ મચાવવું), 427, 452, 504 (જાણી જોઈને અપમાન કરવું અને શાંતિ ભંગને ઉત્તેજન આપવું), 506 (ગુનાહિત ધાકધમકી માટે સજા) હેઠળ ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.”

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બુકાનીધારીઓએ સ્ટોરમાં તોડફોડ કરી

‘કસમ તેરે પ્યાર કી’ જેવી ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલા એક્ટરે ગયા અઠવાડિયે ઢોર માર મારવા બદલ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનમાં પોલીસ સામે ફરિયાદ કરી છે. સ્ટોરમાં કામ કરતાં ફરિયાદી અભિનવે જણાવ્યા મુજબ, “ઘટના રાત્રે લગભગ 1.55 કલાકે બની. બુકાનીધારી શખ્સોએ સ્ટોરનો દરવાજો ગોળી ચલાવી તોડી નાખ્યો અને અંદર ઘૂસી આવ્યા. હોકી સ્ટીક વડે તેમણે તોડફોડ શરૂ કરી દીધી. હું પોલીસને બોલાવવા 100 નંબર ડાયલ કરું તે પહેલા તરફ બંદૂક તાકી અને કહ્યું કે, ‘અંશભાઈની સામે જે ફરિયાદ નોંધાવી છે તે પાછી ખેંચી લો નહીંતર જોવા જેવી થશે.’ તેણે સીસીટીવી ફૂટેજ પણ માગ્યા હતા.” અભિનવના જણાવ્યા મુજબ, બુકાનીધારીઓએ 10 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

પોલીસના આવતાં પહેલા નાસી ગયા બુકાનીધારીઓ

સ્ટોરના હથિયારધારી સિક્યોરિટી ગાર્ડે હવામાં ગોળીબાર કરતાં કથિત રીતે બુકાનીધારીઓ ત્યાંથી નાસી ગયા. અભિનવે વધુમાં જણાવ્યું, “જ્યારે મેં 100 નંબર ડાયલ કર્યો ત્યારે સ્ટોરની બહાર રહેલા સિક્યોરિટી ગાર્ડે હવામાં ફાયરિંગ કરતાં હુમલાખોરો ભાગી ગયા. સ્ટોરની બહાર રહેલી મોલની સિક્યોરિટીની ક્વિક રિસપોન્સ ટીમ (QRT)ને પણ બુકાનીધારીઓએ નુકસાન પહોંચાડ્યું છે. તેના કાચ હોકી સ્ટીકથી ફોડી નાખ્યા છે.” પોલીસ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં બુકાનીધારીઓ ફરાર થઈ ગયા. પોલીસે CCTV ફૂટેજના આધારે અંશ અરોરા અને 6 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

પોલીસે કહ્યું- તપાસ પૂરી થયા બાદ થશે ધરપકડ

ગાઝિયાબાદ પોલીસના ઈન્દિરાપુરમના સર્કલ ઓફિસર અપર્ણા ગૌતમે જણાવ્યું, “સ્ટોરમાં હુમલો કરનાર શખ્સોમાં અંશ હતો કે નહિ તેની ચકાસણી ચાલી રહી છે. CCTV ફૂટેજ તપાસવાની કામગીરી ચાલુ છે. તપાસ પૂરી થયા બાદ ધરપકડ કરાશે. સ્ટોરમાં 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે માટે આગામી કેટલાક દિવસ સુધી સમારકામ માટે બંધ રહેશે.” એક તરફ સ્ટોરના માલિકે પોલીસ ફરિયાદ કરી છે તો બીજી બાજુ અંશનો દાવો છે કે તેણે કશું જ ખોટું નથી કર્યું અને તેનો જીવ જોખમમાં છે.

અંશે ફાયરિંગની ઘટનામાં સંડોવણી નકારી

સ્ટોરમાં તોડફોડ કર્યાના આરોપ વિશે વાત કરતાં અંશે અમારા સહયોગીને જણાવ્યું, “સ્ટોરમાં તોડફોડ કરવાના અને ફાયરિંગની ઘટનામાં મારી સંડોવણી હોવાની વાત ખોટી છે. મને નથી ખબર કે સ્ટોરમાં તોડફોડ કોણે કરી પરંતુ હું માનું છું કે મને ફસાવવા માટે આ કરવામાં આવ્યું છે. મેં ગાઝિયાબાદ પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે એટલે જ તેઓ મને ખોટા કેસમાં ફસાવવા માગે છે. છેલ્લા બે દિવસથી મને અજાણ્યા નંબરો પરથી ધમકીભર્યા ફોન આવે છે. ફોનમાં મને પોલીસ સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહેવાય છે. જો હું ફરિયાદ પાછી ન ખેંચું તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી અપાઈ છે. મારો જીવ જોખમમાં છે.”

અંશના દાવા વિશે પોલીસે શું કહ્યું?

અંશની નજીકના સૂત્રએ જણાવ્યા મુજબ, “સ્ટોરના દાવા મુજબ તોડફોડ કરનાર શખ્સોએ 12 મેની રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ માગ્યા હતા જેમાં અંશ દેખાય છે. પરંતુ અંશ એવું શું કામ કરે જ્યારે તેને ખબર છે કે CCTV ફૂટેજનું DVR પોલીસ પાસે છે?” અંશે કરેલા દાવામાં કેટલું તથ્ય છે તે વિશે પૂછતાં અપર્ણા ગૌતમે કહ્યું, “કોઈ શું આરોપ લગાવે છે તેને અમે નથી માનતા. અમે માત્ર પુરાવામાં વિશ્વાસ રાખીએ છીએ. ગયા અઠવાડિયે કબ્જે કરેલા સીસીટીવી ફૂટેજમાં અંશ સ્ટોરમાં તોડફોડ કરતો દેખાય છે. તો છેલ્લા ફૂટેજમાં 6 શખ્સો સ્ટોરમાં તોડફોડ કરતાં અને એક્ટરનું નામ લઈને સ્ટાફને ધમકાવતા જોવા મળે છે.”

ક્યાં હતા મોલના સિક્યોરિટી ગાર્ડ?

વૈશાલીમાં આવેલા શોપરિક્સ મોલમાં એડમિનિસ્ટ્રેશન સંભાળતા વિક્રમ ભાટીએ જણાવ્યા મુજબ, ઘટના સમયે મોલમાં 6-7 સિક્યોરિટી ગાર્ડ હાજર હતા. સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં હુમલાખોરો મોલમાં કેવી રીતે ઘૂસી ગયા તે વિશે વિક્રમે જણાવ્યું, “સિક્યોરિટી ગાર્ડ આખા મોલમાં જુદી-જુદી જગ્યાએ ફરજ બજાવે છે. કોઈ એક સ્થાને જ નથી ઊભા રહેતા. હુમલાખોરો મોલમાં ગાડી લઈને નહીં રોડ ક્રોસ કરીને આવ્યા હતા અને તેમની પાસે હથિયારો દેખાયા નહોતા.” હુમલાખોરોના હાથમાં હોકી સ્ટીક કેમ ન દેખાઈ? તે અંગે પૂછતાં વિક્રમે કહ્યું, “હુમલાખોરો જ્યાંથી ઘૂસ્યા ત્યાં એક જ ગાર્ડ હતો એટલે તેમને રોકી ના શક્યો. જ્યારે પાંચ-છ લોકો મોલમાં એકસાથે ઘૂસે તો એકલો ગાર્ડ શું કરી શકે તે સમજવાની વાત છે.”



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WqwBVb

No comments:

Post a Comment

Pages