અમદાવાદઃ પોતાના નાના ભાઈને અમદાવાદની કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન અપાવવા 15 વર્ષના વિવેકે સચિવાલયથી માંડીને PMO સુધીને પત્ર લખીને સૌ કોઈને ચોંકાવી નાખ્યા હતા. હવે શાહીબાગમાં રહેતા વિવેક દાસે પોતાની 6 વર્ષની બહેનને સારી સ્કૂલમાં એડમિશન અપવવા માટે ‘મિશન એડમિશન’ શરૂ કર્યું છે.
શાહીબાગના ગિરધરનગરમાં એક ચાલીમાં રહેતા લોરિક અને ઉર્મિલા દાસને વિવેક, પ્રતિક અને માહી નામે ત્રણ સંતાનો છે. લોરિક પ્લમ્બરનું કામ કરે છે. તેના 10માં ધોરણમાં ભણતા છોકરા વિવેકને હવે માલુમ પડ્યું છે કે કેન્દ્રિય મંત્રી પાસે વંચિત બાળકો માટે ખાસ ક્વોટા હોય છે. સાંસદ આવા વિદ્યાર્થીને કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન અપાવવા માટે ભલામણ કરી શકે છે. જો વિદ્યાર્થી સિલેક્ટ થાય તો તે ઓછી ફીમાં સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે.
આ વિશે વિવેક કહે છે, અમારા જેવા પરિવાર માટે ઉપર જવા માટેનો એકમાત્ર રસ્તો સારો અભ્યાસ અને સખત મહેનત છે. મને જ્યારે આ ક્વોટા વિશે માલુમ પડ્યું ત્યારે એક વર્ષ પહેલા મેં આ કામ શરૂ કર્યું હતું. મેં રાજ્યમાં સાંસદોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. મેં રાજ્યના શિક્ષણ મંત્રીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ઉપરાંત CMO અને PMOમાં પણ પત્ર લખ્યો હતો.
વિવેક વધુમાં ઉમેરે છે કે, પરંતુ તેમનો કોઈ જવાબ આવે તે પહેલા જ અમે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા જેમણે મારા ભાઈને એડમિશન મેળવવામાં મદદ કરી. પરંતુ વિવેકને હજુ સંતોષ નથી હવે તે પોતાની બહેનને પણ કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન અપાવવા ઈચ્છે છે, જેથી તેને સારું ભણતર મળી શકે. વિવેક ગિરધરનગરમાં એક ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણે છે. તે કહે છે, હું આ મારા ભાઈ-બહેનના સારા ભવિષ્ય માટે કરી રહ્યો છું. હું મારી વાત જણાવવા માટે મંત્રીઓ અને અધિકારીઓને મળ્યો. હું પણ IAS ઓફિસર બનવા ઈચ્છું છું જેથી મારા જેવા લોકોને તેમના સપના પૂરા કરવામાં મદદ કરી શકું.
વિવેક કહે છે, મારા ભાઈ અને બહેનને શક્ય તેટલા સારા ઓપ્શન મળે હું તેવું ઈચ્છું છું. જો અમારામાંથી કોઈપણ એક સરકારી નોકરી મેળવશે તો પરિવાર માટે સારું રહેશે. આટલી નાની ઉંમરમાં વિવેક સરકારી ઓફિસમાં જઈને પોતાની વાત કરીને આવ્યો આ બાબતથી તેના માતા-પિતા પણ ચકીત છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2OZ6rpM
No comments:
Post a Comment