Latest

Saturday, August 17, 2019

વાહ! માલિકનો જીવ બચાવવા માટે 4 વર્ષના ‘ટાઈગરે’ દીપડા સાથે ભીડી બાથ

દીપ ગાઝ્મેર, દાર્જિલિંગઃ માણસ અને પશુ વચ્ચેની મિત્રતા અતૂટ, નિઃસ્વાર્થ અને પવિત્ર હોય છે. ખાસ કરીને શ્વાન અને વ્યક્તિ વચ્ચે કેવી દોસ્તી હોય છે તે વિશે તો જગજાહેર છે. માલિક જે રીતે શ્વાનની દેખરેખ રાખે તે રીતે શ્વાન પણ માલિકની રક્ષા કરતો હોય છે. આવું જ કંઈક બન્યું છે દાર્જિલિંગમાં રહેતી 58 વર્ષીય મહિલા સાથે.

બુધવારના રોજ પોતાની માલિકનો જીવ બચાવવા માટે ચાર વર્ષના પાલતુ શ્વાને કે જેનું નામ ટાઈગર છે તેણે દીપડા સાથે બાથ ભીડી હતી. તેણે ન માત્ર દીપડા સામે મોટેમોટેથી ભસવાનું શરૂ કરી દીધું પરંતુ ડર્યા વગર તેના પર હુમલો પણ કરી દીધો. ‘ટાઈગર’ની બહાદુરીના કારણે આજે અરુણા લામાનો જીવ બચી ગયો છે.

સોનાદામાં રહેતી અરુણા લામાં દીકરી સાથે રૂમમાં બેસીને ચા પી રહી હતી તે સમયે તેને સ્ટોરરૂમમાંથી કોઈ અવાજ સંભળાયો હતો. જ્યાં જીવતી મરઘીઓ રાખવામાં આવી હતી. જેવો તેણે દરવાજો ખોલ્યો કે તરત જ તે ચોકી ગઈ. કારણ કે ત્યાં દીપડો બેઠો હતો. ગભરાયેલી અરુણાએ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તો દીપડાએ તેના પર પણ હુમલો કરી દીધો.

દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે અરુણા પ્રયાસો કરી રહી હતી, ત્યારે જ ટાઈગર માલિકની મદદ કરવા માટે વચ્ચે કૂદી પડ્યો. તે સતત મોટે-મોટેથી ભસતો રહ્યો. ટાઈગરની બહાદુરીની આગળ દીપડાએ પણ હાર માની લીધી અને ત્યાંથી ભાગી નીકળ્યો. દીપડાએ હુમલો કરતાં અરુણાને કાન-ગળાના ભાગે 20 જેટલા ટાંકા આવ્યા છે અને હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

ઘટના વિશે વાત કરતાં અરુણાની દીકરી સ્મૃતિએ જણાવ્યું કે, ‘દીપડા સાથે લડીને ટાઈગરે મારી માતાનો જીવ બચાવી લીધો. જો તે યોગ્ય સમયે આમ ન કરત તો આજે ખબર નહીં શું થયું હોત’ તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ અરુણાએ કહ્યું કે, ‘આજે ટાઈગરે પોતાનું એક જૂનું ઋણ ચૂકતે કર્યું છે’.

સ્મૃતિએ જણાવ્યું કે, ‘2017માં રાજ્યમાં એક આંદોલન દરમિયાન રસ્તા પર અમે શ્વાનને ખરાબ અને ભૂખી સ્થિતિમાં પડેલો જોયો હતો. તે સમયે આંદોલનના કારણે પહાડીઓ પર લગભગ 104 દિવસની હડતાળ હતી અને ખાવાનું પણ પૂરતું મળતું નહોતું. તેમ છતાં અમે સતત તેના માટે ખાવાની વ્યવસ્થા કરતા રહ્યા. અમે ઈચ્છતા હતા કે તે ટાઈગર સાજો થઈ જાય બાદમાં પોતાના અસલી માલિક પાસે પરત ફરે પરંતુ તે થોડા દિવસ બાદ ફરીથી અમારી પાસે પરત ફર્યો. જે બાદ તે અમારા પરિવારનો ભાગ બની ગયો’ સાથે જ તેણે ભાવુક થઈને કહ્યું કે, ‘જો અમે મળ્યા જ ન હતો તો આ સ્ટોરી કહેવા માટે હું જીવિત પણ ન હોત’.



from Page Array – I Am Gujarat https://ift.tt/2z0xiHl

No comments:

Post a Comment

Pages