અમદાવાદ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટનગર વોર્ડના ભાજપના મહિલા કાઉન્સેલર સ્થાનિકો સાથે ઊભરાતા ગટરના પાણીમાં ચાલતા જોવા મળે છે. સ્થાનિકોને દાવો છે કે, મહિલા કાઉન્સેલરને આ પ્રકારે ગંદા પાણીમાં ચાલવાની ફરજ પાડી, જેથી તેમને ભાન થાય કે સામાન્ય લોકોને કેટલી મુશ્કેલી વેઠવી પડે છે. ઊભરાતી ગટરોના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ છે.
મહાદેવનગર સોસાયટીમાં રહેતા લોકોના ઘરની બહાર ઊભરાયેલા ગટરના પાણીના લીધે માથું ફાટી જાય તેવી વાસ આવે છે. સ્થાનિકોનું અહીં રહેવું દુશ્વાર થઈ ગયું છે. રોષે ભરાયેલા સ્થાનિકોની ફરિયાદ છે કે, ગંધાતા પાણીના લીધે તેઓ બીમાર પડી રહ્યા છે. અને ગટરના પાણીનો નિકાલ લાવવા માટે કાઉન્સેલરને ઘણીવાર રજૂઆત પણ કરી હતી. સ્વબચાવમાં કાઉન્સેલર મીના પંચાલે કહ્યું, સ્થાનિકો સાથે મૈત્રીભાવ દર્શાવવા માટે તેઓ ગંદા પાણીમાં ચાલ્યા હતા. સાથે જ તેમણે વચન આપ્યું છે કે, તેઓ આ સમસ્યાનું નિરાકરણ લાવશે.
ગટરનું પાણી ઊભરાતું હોવાનો મુદ્દો AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને અમૂલ ભટ્ટે કહ્યું કે, સ્થાનિકોએ કાઉન્સેલરને ગંદા પાણીમાં ચાલવાની ફરજ પાડી તે વિશે તેમને જાણ છે. જેથી ભટ્ટે ત્વરિતપણે વધારાનું જેટ્ટિંગ મશીન લાવીને ગટર સાફ કરવાનો આદેશ આપ્યો. કાઉન્સેલર મીના પંચાલે કહ્યું, “કોઈએ મને ગટરના ગંદા પાણીમાં ચાલવાની ફરજ પાડી નહોતી. બુધવારે રાત્રે અમને આ વિશે ફરિયાદ મળી હતી અને તાત્કાલિક લાગતા વળગતા અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શુક્રવારે સવારે હું એ વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરવા ગઈ હતી. સ્થાનિકોએ મને પ્રશ્ન કર્યો કે, શું હું આવા ગંદા પાણીમાં ચાલીશ? મેં તેમને હા પાડી અને સ્થાનિકો સાથે ગંદા પાણીમાં ચાલી હતી.”
કાઉન્સેલરે કહ્યું, એએમસીની ટીમ આ વિસ્તારમાં આવી પહોંચી હતી અને સાંજ સુધીમાં તો ગટર સાફ કરીને પાણીનો ભરાવો સાફ કરી દેવાયો હતો. AMCના અધિકારીઓનું કહેવું છે કે, આ વિસ્તારની રેસિડેન્શિયલ કોલોનીઓ દ્વારા ગટરનું ગેરકાયદે જોડાણ કરવામાં આવ્યું છે. જેના કારણે ગટરો સંપૂર્ણપણે ભરાઈ જાય છે. આ વિસ્તારમાં ચાલતી ફેક્ટરીઓ દ્વારા પણ ગેરકાયદે રીતે ગંદુ પાણી ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવે છે. જેના કારણે ગટર ઓવરફ્લો થાય છે. કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું, આ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓ ગેરકાયદે હતી અને તેમના ડ્રેનેજ કનેક્શન પણ ગેરકાયદે હતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2KPFxeT
No comments:
Post a Comment