નિમેષ ખાખરિયા, રાજકોટ: હજુ બે-ત્રણ મહિના પહેલા જ આસમાનને આંબેલા ડુંગળીના ભાવમાં ફરી ભડકો થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. સૌરાષ્ટ્રમાં ડુંગળીની મોટાપાયે ખેતી કરતા મહુવા અને અમરેલીમાં લોકડાઉનને કારણે તૈયાર પાકના 75 ટકા જેટલા માલની લણણી કરી નથી શકાઈ. એટલું જ નહીં, વાહનોની સગવડ ના હોવાના કારણે ખેતરોમાં ડુંગળીના 20,000 જેટલા કટ્ટા (એક કટ્ટાનું વજન 50 કિલો) ખેતરોમાં જ પડ્યા છે.
પાક સૂકાઈ ના જાય તે માટે ખેડૂતોએ હાલ પોતાના ખેતર પાણીથી ભરી દીધા છે. જોકે, આમ કરીને પણ તેઓ વધુમાં વધુ 20 દિવસ જેટલો જ સમય ખેંચી શકે તેમ છે. એટલું જ નહીં, ખેડૂતો હાલ ડુંગળીની લણણી પણ કરી શકે તેમ નથી, કારણકે મોટાભાગના APMC માર્કેટ લોકડાઉનને કારણે બંધ છે, અને ત્યાં કોઈ કામકાજ પણ નથી થઈ રહ્યા.
ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ડુંગળીની સીઝન ચોમાસુ લંબાવાના કારણે બે મહિના મોડી શરુ થઈ હતી. હવે લણણી કરવાનો સમય આવી ગયો છે ત્યારે લોકડાઉનને કારણે તેમાં પણ સમસ્યા સર્જાઈ છે. મહુવા અને અમરેલીમાં લાલ અને સફેદ એમ બંને પ્રકારની ડુંગળીનું ઉત્પાદન થાય છે અને તેમાં મોટાભાગની ડુંગળી ગુજરાતમાં જ વેચાઈ જતી હોય છે.
રાજ્યના ખેતીવાડી વિભાગના આંકડા અનુસાર, આ વર્ષે 11.24 લાખ ટન ડુંગળી થવાનો અંદાજ છે જેમાં લાલ ડુંગળીનું ઉત્પાદન 3 લાખ ટનની આસપાસ રહેશે. આ રવિ સિઝનમાં ગુજરાતના ખેડૂતોએ સારો ભાવ મળશે તેવી આશાએ 42,000 હેક્ટર જમીનમાં ડુંગળીની ખેતી કરી હતી. આ પ્રમાણ ગત વર્ષે 28,000 હેક્ટર હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના સરપંચ અને ખેડૂત એવા ચેતન માલાણીએ પોતાની 10 એકર જમીનમાં ડુંગળી વાવી છે. તેમના ગામમાં જ 250 એકર જમીન પર ડુંગળીનો પાક તૈયાર છે, પરંતુ લોકડાઉન પૂરું થાય તો વાહનની વ્યવસ્થા થાય અને ત્યારપછી જ ડુંગળીને APMC બજાર સુધી લઈ જઈ શકાય તેમ છે. આ કારણે આ વર્ષે 25-30 ટકા જેટલો પાક નુક્સાનીમાં જાય તેવી પણ આશંકા તેમણે વ્યક્ત કરી હતી.
ડિહાઈડ્રેશન યુનિટ પણ બંધ
સફેદ ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોને થોડી રાહત છે, કારણકે ડિહાઈડ્રેશન યુનિટ્સને કામકાજ ચાલુ કરવા બે દિવસ પહેલા જ શરતી મંજૂરી આપવામાં આવી છે. જોકે, મજૂરો ના હોવાના કારણે તેમનું કામકાજ શરુ થવામાં પણ અનેક અડચણો છે.
હાલ એવી સ્થિતિ છે કે 100 જેટલા ડિહાઈડ્રેશન યુનિટ્સમાંથી માત્ર 6-7 જેટલા યુનિટ્સ જ ચાલુ છે. મોટાભાગની ડિહાઈડ્રેટેડ સફેદ ડુંગળી વિદેશમાં નિકાસ થતી હોય છે. જોકે, આખી દુનિયામાં કોરોના ફેલાયો છે ત્યારે તેની નિકાસ પર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2woNSmA
No comments:
Post a Comment