Latest

Tuesday, April 7, 2020

કોરોના સામેની લડાઈ: કેમ કેન્દ્ર સરકાર કરી રહી છે રાજસ્થાનના ‘ભીલવાડા મોડેલ’ના વખાણ?

ઈન્તિશાબ અલી, જયપુર: રાજસ્થાનના ભીલવાડા જિલ્લાએ કોરોના વાયરસ સામે શરુ કરેલો જંગ આખા દેશ માટે દ્રષ્ટાંતરુપ બની શકે છે. 27 કેસ કન્ફર્મ થયા બાદ ભીલવાડામાં આ વાયરસ વધુ ના ફેલાય તે માટે 19 માર્ચથી જ યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી દેવાઈ હતી. તેના જે પરિણામ મળ્યા છે તેની ભારત સરકારે પણ નોંધ લીધી છે અને જે રાજ્યોમાં કોરોના ઝડપથી વકરી રહ્યો છે તેમને ભીલવાડા મોડેલમાંથી શીખ લેવા જણાવાયું છે.

ભારત સરકારના કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ હાલમાં જ તમામ રાજ્યોના ચીફ સેક્રેટરી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કોરોનાને કાબૂમાં લાવવા ચલી રહેલી કામગીરીના રિવ્યૂના અંતમાં બે મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભીલવાડાની જેમ સખ્તાઈથી પગલાં લઈ આ વાયરસને કાબૂમાં લેવો, અને બીજું ક્વોરન્ટાઈન ફેસિલિટી અને હોસ્પિટલ્સમાં વધારો કરવો.

રાજસ્થાનના હેલ્થ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી રોહિત કુમાર સિંહે ટેક્સટાઈલ સિટી તરીકે જાણીતા ભીલવાડાના કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટ સાથે મળીને કોરોનાને કાબૂમાં લેવાનો પ્લાન બનાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભીલવાડામાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું. આ વાયરસે બીજા કોઈને પોતાની ઝપેટમાં લીધા છે તે નહીં તે ચકાસવા માત્ર 14 જ દિવસના ગાળામાં 28 લાખ લોકોના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા હતા.

ભીલવાડામાં સામે આવેલા પહેલા કેસમાં દર્દીને ઈન્ફેક્શન કઈ રીતે લાગ્યું તેની સ્પષ્ટ માહિતી નહોતી. વળી, પેશન્ટ ખુદ ડોક્ટર હોવાથી તેમના સંપર્કમાં પણ રોજ અનેક લોકો આવ્યા હોવાથી બીજા કોને-કોને આ વાયરસનો ચેપ લાગ્યો તે લોકોને શોધી કાઢવા પણ તંત્ર માટે મોટો પડકાર હતો. ડોક્ટરના સંપર્કમાં આવેલા લોકોને શોધવા ઉપરાંત તંત્ર દ્વારા લોકોના ઘરની બહાર હરવાફરવા પર પણ સખ્ત નિયંત્રણો મૂકી દેવાયા હતા.

પહેલો કેસ મળ્યા બાદ ભીલવાડામાં એક પછી એક 27 કેસ સામે આવ્યા હતા. હરકતમાં આવેલા તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો હતો અને જ્યાં કેસ સામે આવ્યા હતા તે વિસ્તારોમાં વાહનોની અવરજવર બિલકુલ બંધ કરી દેવાઈ હતી અને તેની હદો પણ સીલ કરી દેવાઈ હતી. ત્યારબાદ જ્યાં આ વાયરસ ફેલાવાની શક્યતા હતી તેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, અને કોરોનાનું વધુ જોખમ ધરાવતા લોકોના ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યા હતા.

ત્રીજાં સ્ટેપમાં આખા જિલ્લામાં ઘેર-ઘેર જઈને કોઈને પણ તાવ જેવા લક્ષણો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા તેના માટે 2,000 ટીમો બનાવવામાં આવી હતી, અને જિલ્લાની 28 લાખની વસ્તીનું સ્ક્રિનિંગ કરાયું હતું. ભીલવાડામાં 17 પોઝિટિવ કેસ એક જ હોસ્પિટલના સ્ટાફના લોકો હતા, પરંતુ તંત્ર દ્વારા ઝડપથી પગલાં લેવામાં આવતા વાયરસનો ફેલાવો અત્યારસુધી માત્ર 27 દર્દીઓ સુધી સિમિત રહ્યો છે.

ભીલવાડાના કલેક્ટર માટે કોરોના સામે જંગ હજુ પૂરો નથી થયો. પરંતુ ભીલવાડા સ્ટ્રેટેજી હવે દેશના અન્ય રાજ્યો અને જ્યાં કોરોનાની અસર વધુ છે તેવા જિલ્લામાં અમલી બનાવવા માટે ચર્ચા થઈ રહી છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પણ અમારી કામગીરીની પ્રશંસા કરી છે અને દરેક જિલ્લાએ આવું કામ કરવું જોઈએ તેમ પણ કહ્યું છે, જે અમારા માટે ગર્વની વાત છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2VajVyH

No comments:

Post a Comment

Pages