પરાગ દવે, અમદાવાદ: પહેલાથી ચાલી રહેલી મંદીમાં આવી પડેલા લોકડાઉને ઓટો ઉદ્યોગની હાલત પડતા પર પાટું મારવા જેવી કરી છે. બજારમાં હાલ એવી સ્થિતિ છે કે, ગઈકાલે રથયાત્રાના દિવસે વેચાયેલા નવા વાહનોનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીએ 60 ટકા ઘટ્યું છે. જોકે, ડીલર્સ જણાવી રહ્યા છે કે હાલની સ્થિતિએ વેચાણ પ્રોત્સાહક છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
અમદાવાદમાં ગઈકાલે લગભગ 3200 ટુ વ્હીલર વેચાયા છે, જ્યારે એક અઠવાડિયામાં 12 હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું છે. ટુ વ્હીલર ડીલર્સ અસોસિએશનના ચેરમેન પ્રણવ શાહના જણાવ્યા અનુસાર ગયા વર્ષે રથયાત્રાએ શહેરમાં દસ હજાર જેટલા ટુ વ્હીલર વેચાયા હતા. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં મંગળવારે સાત હજાર ટુ વ્હીલર વેચાયા છે.
લોકડાઉનને કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં પણ ટુ વ્હીલર જેટલા પ્રમાણમાં વેચાયા છે તે સ્થિતિને ડીલરો પ્રોત્સાહક ગણાવી રહ્યા છે, અને તેઓ પણ માની રહ્યા છે કે માર્કેટમાં ધીરે-ધીરે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બીએસ-6 એન્જિનને કારણે ટુ વ્હીલર્સના ભાવ પણ 10 ટકા જેટલા વધ્યા છે. મંગળવારે શહેરમાં જે વાહનો વેચાયા છે તેમાં બાઈકનું પ્રમાણ વધુ હતું. લોકોમાં 100-125 સીસીના બાઈક ખરીદવાનો વધુ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે.
રથયાત્રાએ જેટલા વાહનો અમદાવાદ શહેરમાં વેચાયા છે તેમાંના 45 ટકા જેટલા ફાઈનાન્સ પર ખરીદવામાં આવ્યા છે. ડીલર્સનું માનીએ તો, હવે ફાઈનાન્સ કંપનીઓએ પણ ધીરાણના નિયમો કડક બનાવ્યા છે. જો આ નિયમો આગામી સમયમાં હળવા બન્યા તો વેચાણ પણ ચોક્કસ વધશે, કારણકે કોરોનાના ડરથી હવે ઘણા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા અચકાઈ રહ્યા છે.
ગઈકાલે અમદાવાદમાં ફોર વ્હીલના વેચાણ અંગે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએસન્સ (ફાડા)ના ગુજરાતના ડિરેક્ટર પણ એવા પ્રણવ સાહે કહ્યું હતું કે આ અંગેના કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. જોકે, તેમણે ફોર વ્હીલરના વેચાણમાં 60-70 ટકાનો ઘટાડો થયાનો અંદાજ ચોક્કસ વ્યક્ત કર્યો હતો. હાલની સ્થિતિમાં લોકો એન્ટ્રી લેવલની ગાડીઓમાં જ વધુ રસ ધરાવતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
એમરલ્ડ હોન્ડાના સીઈઓ રજનીશ અરોરાના જણાવ્યા અનુસાર, આ વર્ષની સરખામણી ગયા વર્ષ સાથે કરવી અયોગ્ય રહેશે. જોકે, બજારમાં સારું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને રથયાત્રાના દિવસે થયેલું વેચાણ પ્રોત્સાહક ગણી શકાય. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ 10 લાખથી ઓછી કિંમતની ગાડીઓની વધુ ડિમાન્ડ છે અને વોક-ઈન ગ્રાહકોની ઈન્ક્વાયરી પણ વધી રહી છે. આ વર્ષે રથયાત્રા પર થયેલું વેચાણ લગભગ 50 ટકા ઓછું રહ્યાનું પણ તેમણે કહ્યું હતું.
from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat https://ift.tt/3evdXRs
No comments:
Post a Comment