કિરણ પરાશર, બેંગલુરુઃ કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તો પાડોશમાં પણ કોઈનો કોરોના હોય તો તેમની સાથે સરખી રીતે વાતચીત કરતા નથી અને અણછાજતું વર્તન કરે છે. પરંતુ જ્યારે સંક્રમણના ડરથી કોઈ વ્યક્તિ ઘરના જ સભ્ય સાથે આમ કરે ત્યારે?…મેટ્રો સિટી બેંગલુરુમાં આવી જ કંઈક ઘટના બની હતી. જ્યાં ગયા અઠવાડિયે ચંડીગઢથી પરત આવેલી 38 વર્ષીય મહિલાને તેના પતિએ ઘરમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. તેને ડર હતો કે ક્યાંક મહિલાના કારણે તેને પોતાને તેમજ તેના 10 વર્ષના દીકરાને કોરોના વાયરસનો ચેપ ન લાગી જાય.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
વાત એમ છે કે, રક્ષિતા (નામ બદલ્યું છે) માર્ચ મહિનામાં અચાનક લાગુ કરાયેલા લોકડાઉનના કારણે પોતાના પરિવારથી છેલ્લા 3 મહિનાથી દૂર હતી. તે પોતાના વતનમાં ફસાઈ હતી અને જ્યારે તે આંબેડકર નગરમાં પોતાના નિવાસસ્થાને પરત ફરી તો તેણે મનમાં વિચાર્યું હતું કે, આટલા દિવસો પછી મળવાના કારણે પતિ તેનું ઉમળકાભેર સ્વાગત કરશે,પરંતુ તેની સાથે જે વર્તન કરવામાં આવ્યું તેનાથી તેને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. તેના પતિએ તેને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, તેણે 14 દિવસ સુધી બીજે ક્યાંક ક્વોરન્ટિન થવું પડશે અને ઘરમાં આવતા પહેલા કોરોના વાયરસનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
પોતાના જ ઘરના દરવાજા બંધ થઈ જતાં અને બીજે ક્યાંય જઈ શકે તેમ ન હોવાથી રક્ષિતા દુઃખી થઈ ગઈ હતી અને બાદમાં તેણે મદદ માટે વર્થુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસકર્મીઓ મહિલા સાથે તેના ઘરે પહોંચ્યા તો દરવાજા પર તાળુ લટકતું હતું. સ્થળ પરથી પાછા ફરતા પહેલા પોલીસે તેને સંબંધીને ત્યાં જતા રહેવા માટે અથવા તેનો પતિ ઘરે પરત ફરે એટલે તરત જ ફોન કરવાનું કહ્યું હતું.
રક્ષિતા બીજે ક્યાંક જતી રહી હશે તેમ વિચારીને તેનો પતિ દીકરા સાથે અડધી રાત્રે ઘરે પાછો આવ્યો હતો, પરંતુ તે રાહ જોઈને બહાર બેઠી હતી. બાદમાં તેણે બેંગલુરુ શહેર પોલીસ કમિશનરની ઓફિસમાં આવેલી પરિહર વનિતા સહાયવાણી (વુમન્સ હેલ્પલાઈન) પર મદદ માટે ફોન કર્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કહ્યું હતું કે, રક્ષિતાના પતિએ તેને ઘરમાં પ્રવેશ આપવો જ જોઈએ. પરંતુ ત્યાં સુધીમાં તો તેણે તેના પતિ સામે ફરિયાદ નોંધાવી દીધી હતી.
અધિકારીઓએ રક્ષિતાના પતિની કોરોના વાયરસ અંગેની ગેરસમજણ દૂર કરી હતી અને તે સમયે કર્ણાટકમાં કોવિડ 19 પ્રોટોકોલ મુજબ 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટિન રહેવાની સલાહ આપી હતી. રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ મુજબ, મહારાષ્ટ્ર સિવાય અન્ય જગ્યાએથી આવેલા લોકો કે જેમનામાં લક્ષણો ન દેખાતા હોય તેમણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટિન થવું પડતું હતું.
સહાયવાણીના સીનિયર કાઉન્સિલર અપર્ણા પૂર્ણેશે કહ્યું કે, રક્ષિતાના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ‘ભૂતકાળમાં દંપતી વચ્ચે ઘણીવાર ઝઘડા થઈ ચૂક્યા છે. પરંતુ આ વખતે પતિને લાગ્યું કે, મહિલાના કારણે તેને અને તેમના 10 વર્ષના દીકરાને સંક્રમણ લાગશે. હાલ મહિલા ઘરમાં જ ક્વોરન્ટિન છે અને પરિવારમાં બધુ ઠીક છે’, તેમ તેમણે કહ્યું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2BDkcoq
No comments:
Post a Comment