Latest

Tuesday, May 21, 2019

દેશ માટે રમી રહ્યો હતો પાકિસ્તાની ક્રિકેટર, 2 વર્ષની દીકરીનું મોત

આસિફ અલીની કેન્સરગ્રસ્ત દીકરી મોતને ભેટી

પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ પોતાની બે વર્ષની દીકરીને ગુમાવી દીધી છે. 19 મેના રોજ જ્યારે આસિફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝની 5મી અને અંતિમ વન-ડે રમી રહ્યો હતો ત્યારે તેને પોતાની પુત્રીના નિધનના સમાચાર મળ્યા. રિપોર્ટ અનુસાર, આસિફની દીકરી નૂર ફાતિમાને ચોથા સ્ટેજનું કેન્સર હતું, જેની સારવાર અમેરિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર લોકો તેને સાંત્વના આપવાની સાથે-સાથે એક મજબૂત વ્યક્તિ ગણાવી રહ્યાં છે. જણાવી દઈએ કે, રવિવારે હેડિંગ્લે ખાતે રમાયેલી આ મેચમાં આસિફે 22 રન બનાવ્યા હતા. જોકે, તેની ટીમ 54 રનથી આ મેચ હારી ગઈ હતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આપણે પણ લેવી જોઈએ પ્રેરણા

‘ઈસ્લામાબાદ યૂનાઈટેડ’એ પોતાની ટ્વીટમાં લખ્યું, ‘ISLUની સંવેદનાઓ આસિફની સાથે છે, જેણે પોતાની દીકરી ગુમાવી છે. આસિફ ખૂબ મજબૂત છે અને આપણા બધા માટે પ્રેરણા છે.’ ઉલ્લેખનીય છે કે, 27 વર્ષીય આસિફ ‘પાકિસ્તાન સુપર લીગ’ (PSL)માં ઈસ્લામાબાદ યુનાઈટેડ તરફથી રમે છે.

‘મારી દીકરીને કેન્સર છે’

આસિફે 22 એપ્રિલના રોજ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેની પુત્રીને ચોથા સ્ટેજનું કેન્સર છે, જેને સારવાર માટે તે અમેરિકા લઈ જઈ રહ્યો છે. આસિફને PSLના ચોથા સત્ર દરમિયાન દીકરીની આ બીમારી વિશે ખબર પડી હતી. તે દરમિયાન તે પૂર્વ ઑસ્ટ્રેલિયન બેટ્સમેન અને ઈસ્લામાબાદ યૂનાઈટેડના કોચ ડીન જૉન્સ સામે રડી પડ્યો હતો.

ન બની શક્યો વર્લ્ડકપ ટીમનો હિસ્સો

આસિફ પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો નથી. જોકે, ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તેણે બે હાફ સેન્ચુરી લગાવી હતી. હજુ પણ 23 મે પહેલા તેને ટીમમાં શામેલ કરી લેવાય તેવી શક્યતા છે. પાકિસ્તાનની પ્રથમ મેચ 31 મેના રોજ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2HCxr7G

No comments:

Post a Comment

Pages