Friday, June 5, 2020

નોકરી જવાનું ફરી શરૂ કર્યું? કોરોનાથી બચવા ઓફિસમાં અને ઘરે આવ્યા પછી આટલું ચોક્કસ કરજો

કોરોના મહામારીમાં ફરી ખુલી ઓફિસો

અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે રોજગાર-ધંધા ફરીથી શરૂ કરવા માટે છૂટછાટો આપવામાં આવી રહી છે. હવે મોટાભાગના લોકોએ ઓફિસોમાં જવાનું શરૂ કરી દીધું છે. મહિનાઓ સુધી ઘરેથી કામ કર્યા બાદ તમે પણ ફરીથી ઓફિસ જવાનું ફરી શરૂ કરવાના હો તો તમારા મનમાં પણ ડર ચોક્કસ હશે. કોરોના વાયરસના વધતા કેસો ચિંતામાં વધારો કરી રહ્યા છે. આપણા દેશમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર પહોંચ્યો છે અને 6 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ઘરની બહાર જતા ડર લાગે તે સ્વાભાવિક છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ડરો નહીં સાવચેત રહો

નવી ગાઈડલાઈનમાં સરકારે ખાનગી અને સરકારી કચેરીઓ તેમજ ઔદ્યોગિક એકમો ફરીથી શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. જો કે, કોરોના વાયરસની રસી અત્યાર સુધી શોધાઈ નથી ત્યારે બહાર જતાં લોકોમાં ડર હોઈ શકે છે. હવે ડરવાના બદલે આની સાથે જીવતા શીખીને સાવધાની રાખવી જરૂરી છે.

કડકાઈથી કરો પાલન

ઓફિસો અને કામના સ્થળોએ ગાઈડલાઈન પ્રમાણે, થર્મલ સ્ક્રીનિંગ, સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ મહામારી પછી ટિપિકલ ઓફિસ હવે પહેલા જેવી નહીં રહે. તમારે પણ પોતાની અને અન્યોની સુરક્ષા માટે કેટલીક બાબતોનું કડકાઈથી પાલન કરવું પડશે.

ઓફિસ જાવ ત્યારે આટલી વાતો ખાસ યાદ રાખો

– સેનિટાઈઝર અથવા પેપર સોપ અને પાણી સાથે લઈ જાવ.
– ઘરની બહાર નીકળતા પહેલા ફેસ માસ્ક પહેરો. તમારી સુરક્ષા માટે ફેસ શિલ્ડ પણ પહેરી શકો છો.
– ઘરેથી જ ભોજન અને પાણી લઈ જાવ, કોઈ દવા લેતા હો તો એ પણ સાથે રાખવી.
– ઈયરફોન, ચાર્જર, પાવરબેંક, લેપટોપ ચાર્જર સહિતની વારંવાર ઉપયોગમાં લેવાતી વસ્તુ યાદ કરીને લઈ જાવ. જેથી બીજા પાસેથી માગવી ના પડે અને સંક્રમણનો ખતરો ના રહે.
– જો તમને ચા અને કોફી પીવાની ટેવ હોય તો ઘરેથી તેને પેકેટ અથવા થર્મોસમાં ભરીને લઈને આવવું, જેથી કેન્ટીનમાંથી ના પીવી પડે.
– તમારી કાર કે ટુ-વ્હીલરને જે જગ્યાને વારંવાર સ્પર્શ થતો હોય તેને બરાબર સાફ કર્યા પછી જ અડવું.

રસ્તામાં હો ત્યારે આ બાબતનું ધ્યાન રાખો

– તમારું ફેસ માસ્ક કે શિલ્ડ ભૂલથી પણ ના કાઢતા અને હાથને ચહેરાનો સ્પર્શ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
– રસ્તામાં વચ્ચે કશું જ ખરીદવા ઊભા ના રહેવું. ખરીદી અત્યંત જરૂરી હોય તો જ વાહન ઊભું રાખવું.
– તમારું વાહનમાં બીજા કોઈને બેસાડો નહીં, ખાસ કરીને ટુ-વ્હીલર પર.

ઓફિસમાં કામ કરતી વખતે આ વાતો યાદ રાખો

– કોઈપણ સંજોગોમાં માસ્ક ના ઉતારો અને માસ્કના આગળના ભાગને સ્પર્શ ના કરો.
– લેપટોપ અને મોબાઈલ ડેસ્ક પર મૂકતાં પહેલા તેની યોગ્ય સફાઈ કરો.
– અન્ય કર્મચારીઓથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખો.
– લિફ્ટનો ઉપયોગ ટાળવો અને જો લિફ્ટથી જવું જરૂરી હોય તો બટનને હાથથી સ્પર્શના કરવો.
– ખીચોખીચ ભરેલી લિફ્ટમાં અથવા 3થી વધુ વ્યક્તિઓ હોય તેવી લિફ્ટમાં ના જવું. બીજી આવે તેની રાહ જોવો.
– જો પગથિયા ચડીને જતાં હો તો રેલિંગને સ્પર્શ ના કરવો.

ઓફિસમાં આ બાબતોનું ચોક્કસ પાલન કરો

– તમે કોણી વડે લિફ્ટના બટન દબાવી શકો છો. સાથે જ દરવાજા ખોલવા-બંધ કરવા માટે હાથનો ઉપયોગ ના કરો.
– બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો તમારા હાથ ઘસીને ધુઓ અથવા સેનિટાઈઝ કરો.
– તમારા ડેસ્ક પર જ લંચ કરો અને સુનિશ્ચિત કરો કે જમતાં પહેલા હાથ બરાબર સાફ કર્યા હોય.
– ડિસઈન્ફેક્ટન્ટ વાઈપ્સ હાથવગા રાખો અને કોઈની સાથે હાથ મિલાવવાનું ટાળો.
– ચા-કોફી પીવા માટે ટોળે ના વળો. યાદ રાખો કે ફેસ માસ્ક અને ફેસ કવર તકેદારીના પગલા રૂપે છે. કોરોનાથી બચવાનો સચોટ ઉપાય નથી.
– લોકોથી જેટલા દૂર રહેશો તેટલા સુરક્ષિત રહી શકશો. હાઈજિન અને સેનિટાઈઝેશન દરેક સ્તરે જળવાય તે જરૂરી છે.
– ઘરે આવો ત્યારે ફરીથી વાહનને બરાબર સાફ કરો.
– રોજેરોજ એક માસ્ક પહેરીને જવું યોગ્ય નથી.

ઘરે આવ્યા પછી આટલું ચોક્કસ કરો

– ઘરમાં જતાં જ તમે પહેરેલા કપડાં ધોવા નાખી દો.
– નહાતા પહેલા કોઈની સાથે વાત ના કરો અને કોઈ વસ્તુને અડો નહીં.
– ઘરે આવીને કોગળા કરી શકો છો સાથે જ ગરમ પાણીથી સ્નાન કરી શકો છો.
– માસ્કને બરાબર ધોઈ લો અથવા તો રોજેરોજ નવા માસ્ક વાપરો.
– લંચ બેગ, મોબાઈલ, લેપટોપ વગેરેને ઘરે આવ્યા બાદ સેનિટાઈઝ કરવાનું ના ભૂલો.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/36ZGdsK

No comments:

Post a Comment

Pages