Sunday, June 14, 2020

અમરેલી: રાજુલાના રહેણાંક વિસ્તારમાં સિંહે મારી લટાર, સ્થાનિકોએ કહ્યું- ‘નહીં ભૂલાય આ દ્રશ્ય’

રાજકોટ: રહેણાંક વિસ્તારમાં રખડતાં કૂતરાની માફક સિંહ સામેથી પસાર થાય તેવું તો કોઈ સ્વપ્નમાં પણ ના વિચારે. પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની કોલોનીમાં મોડી રાત્રે સિંહે લટાર મારી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શુક્રવારે મોડી રાત્રે અલ્ટ્રાટેકની કોવાયા સ્થિત ગુજરાત સિમેન્ટ કંપનીની કોલોનીમાં જંગલના રાજાએ મારેલી લટાર સ્થાનિકોના માનસપટ પર હંમેશા માટે અંકિત રહેશે. આ કોલોની પીપાવાવ બંદરની નજીક આવેલી છે. કોલોનીના પ્રવેશદ્વાર નજીક આવેલા ATM કિઓસ્ક પાસેથી સિંહ પોતાની જ મસ્તીમાં ચાલતો જતો જોવા મળ્યો હતો. જેને એક સ્થાનિકે પોતાના કેમેરામાં કંડાર્યો હતો.

લટાર મારવા નીકળ્યા વનરાજ

ક્લિક-સેવી સ્થાનિકે પોતાના મોબાઈલમાં લટાર મારી રહેલા સાવજનો વિડીયો ઉતાર્યો હતો. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા સ્થાનિકે કહ્યું, ‘અમારી કોલોનીના દરવાજા પાસેથી મસ્તીમાં ચાલીને જતાં સિંહને નજીકથી જોવાનો લ્હાવો તો મળ્યો પરંતુ એ દ્રશ્ય યાદ કરીને કંપારી છૂટી જાય છે. આ એવું દ્રશ્ય હતું જે મેં ક્યારેય સપનામાં વિચાર્યું નહોતું.’

રાજુલા રેન્જ ફોરેસ્ટના એક અધિકારીએ દાવો કર્યો છે કે, આ તાલુકાના રહેણાંક વિસ્તારોમાં સિંહોની લટાર સામાન્ય વાત છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ ત્રણ સિંહો આ કોલોનીમાં લટાર મારવા આવ્યા હતા. તેમણે ચેતવણી આપતાં કહ્યું, ‘આમ તો મનુષ્યો સિંહનો કુદરતી શિકાર નથી કે તેઓ તેમના પર હુમલો કરતાં નથી છતાં સાવધાની રાખવી જરૂરી છે.’

દરમિયાન શુક્રવારે રાત્રે અમરેલીના ધારી તાલુકાના એક ગામમાં પણ કથિત રીતે આઠ સિંહનું ટોળું પહોંચી ગયું હતું. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર અને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યો છે. જો કે, અધિકારીઓનું માનીએ તો, તેનું ચોક્કસ લોકેશન જાણી શકાયું નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/3e22QiG

No comments:

Post a Comment

Pages