રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં ચાલુ અઠવાડિયા દરમિયાન સારા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. આજ પ્રમાણે આગામી અઠવાડિયા દરમિયાન પણ રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ અને ઝાપટાં સાંજે અને રાતના સમયે થશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે વરસાદ રાજ્યમાં વધુમાં વધુ તાપમાન 36 ડિગ્રી રહેશે.
40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
આજની વાત કરીએ તો 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, દાહોદ, નર્મદા અને ભરુચમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવગનરમાં પણ આજે વરસાદ રહેશે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
સોમવાર અને મંગળવારની વાત કરીએ તો, આ દિવસો દરમિયાન પણ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે અમદાવાદ, ખેડા, આણંદ, છોટાદેપુર, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
આગામી અઠવાડિયાના બુધવાર અને ગુરુવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.
ખેડૂતોમાં આનંદની લાગણી
આ વર્ષે સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, આગાહી પ્રમાણે રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ શરુ થયો છે. આ સાથે ખેડૂતોએ ચોમાસું શરુ થતા વાવણી કામ માટેની પણ શરુઆત કરી દીધી છે. ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે, કે જરુરિયાત પ્રમાણેનો વરસાદ થશે તો તેમને પાછલા પાકમાં થયેલા નુકસાનની ભરપાઈ આ વર્ષમાં કરી શકશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/37r5a0i
No comments:
Post a Comment