Thursday, July 9, 2020

કર્મચારીઓનો આક્ષેપ, ‘દાહોદ કલેક્ટરના આદેશ પર તેમના ગાર્ડે અમને માર માર્યો’

ગાંધીનગરઃ દાહોદના ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકોર્ડ ઈન્સ્પેક્ટર તથા સર્વેયરે રાજ્ય સરકારને પત્ર લખીને દાહોદના જિલ્લા કલેક્ટર વિજય ખારડી દ્વારા મારપીટ કરાઈ હોવાના આરોપ લગાવ્યા છે. જિલ્લા કલેક્ટરે પોતાના હથિયાર ધારી બોડીગાર્ડ પાસે મારપીટ કરાવી હોવાનો આરોપ છે. સમગ્ર ઘટના પર દાહોદના જિલ્લા અધિકારી વિજય ખારડીએ આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને બંને કર્મચારીઓએ કામથી બચવા માટે આમ કર્યું હોવાનું જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

બંને અધિકારીઓએ એડિશનલ ચીફ સેક્રેટરીને લખેલા પોતાના પત્રમાં કલેક્ટર વિરુદ્ધ FIR દાખલ કરાવવા પરમીશન માગી છે. અધિકારીઓએ મારપીટના ફોટોગ્રાફીક પૂરાવા માટે ઈજાનો વીડિયો પણ સબમીટ કર્યો છે. રાજ્ય સરકારે હજુ આ મામલે કોઈ નિર્ણય લીધો નથી. આ ઘટના 7 જુલાઈને મંગળવારના દિવસે બપોરના સમયે બની હતી.

ઘટના મુજબ, જમીન રેકોર્ડ ઈન્સ્પેક્ટર દીપક પટેલ (ક્લાસ-2) અને હેડક્વાર્ટર આસિસ્ટન્ટ સીનિયર સર્વેયર વિમલ સોલંકી (ક્લાસ-3) મીટિંગમાં હતા આ દરમિયાન તેમને કલેક્ટરની ઓફિસમાં હાજર થવા કહેવાયું. બંને કર્મચારીઓએ લેખિતમાં આરોપ લગાવ્યો છે કે, ‘કલેક્ટરે પહેલા તેમના વિરુદ્ધ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું, આ બાદ તેમના ગાર્ડ્સને અમને માર મારવા આદેશ આપ્યો.’

ACS પંકજ કુમારને લખેલા પત્રમાં બંને અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, કલેક્ટર અન્ય IAS અધિકારી જેવા નથી, તેઓ પોતાનાથી નીચલા વર્ગના અધિકારીઓને આ રીતે માર મારે છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તેમની સામે જરૂરી પગલાં લો સાથે જ તેમના આ નિંદનીય કાર્ય માટે FIR કરવી કે નહીં તેના માટે પણ સૂચન આપો. આ સાથે જ ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકોર્ડ્સ ઓફિસના અધિકારીઓએ સરકાર આ મામલે કોઈ પગલાં ન લે તો હડતાલ પર જવાની ધમકી આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કલેક્ટરે બંને અધિકારીઓને કેટલાક રિપોર્ટ્સ બનાવવા કહ્યું હતું, પરંતુ તેમણે તે નહોતા તૈયાર કર્યા. આ કારણે કલેક્ટર ગુસ્સે થઈ ગયા. ઉલ્લેખનીય છે કે વિજય ખારડી દાહોદના જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પહેલા સુરત તથા જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

કલેક્ટરે સમગ્ર મામલે જણાવ્યું કે, તેઓ સરકારના મુખ્ય પ્રાથમિકતાના પ્રોજેક્ટના સર્વે રિપોર્ટ માટે મોડું કરી રહ્યા હતા. આ માટે તેમને પહેલા પણ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. મેં માત્ર તેમને બોલાવીને કામ ઝડપથી પૂરું કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમને આપેલું કામ ન કરવા માટે તેઓ આરોપ લગાવી રહ્યા છે. તમામ આરોપો પાયાવિહોણા છે.’



from Page Array – I Am Gujarat https://ift.tt/2ZXruLU

No comments:

Post a Comment

Pages