Tuesday, July 7, 2020

મજૂરોને કામ પર બોલાવવા માટે કંપનીઓ પ્લેનની ટિકિટ અને ઘર આપવા પણ તૈયાર

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસને વધતા અટકાવવા માટે ભારતમાં શરુઆતના સમયમાં 2 મહિના માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, આ દરમિયાન દેશની તમામ ગતિવિધિ ઠપ થઈ ગઈ હતી. જેમાં કંપનીઓ બંધ થવાથી પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરી ગયા હતા. જોકે, હવે ધીમે-ધીમે ગાડી પાટા પર લાવવાની કોશિશો શરુ થઈ છે ત્યારે પોતાના વતન ગયેલા મજૂરો પરત કામ પર આવવાની તૈયારી નથી બતાવી રહ્યા જેના કારણે કંપનીઓ દ્વારા તેમને પરત બોલાવવા માટે વિવિધ પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે. જેમાં પ્લનની ટિકિટ મોકલવાની સાથે ઘર આપવા સહિતના પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે.

પ્રવાસી મજૂરોને કામ પર રાખવાના હિસાબે કંપનીઓ પોતાની શ્રમ નીતિની પણ સમીક્ષા કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ મફતમાં આવવા-જવાના, રહેવાની અને ભોજનની પણ વ્યવસ્થા કરી રહ્યા છે, જ્યારે કેટલીક કંપનીઓ આસપાસના વિસ્તારમાંથી નવા લોકોને કામ પર રાખી રહી છે. જ્યારે કેટલીક કંપનીઓ આ બન્ને કામ કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

લિનફોક્સ ગ્રુપની કંપની લિનફોક્સ લોજિસ્ટિક્સ ઈન્ડિયા લિમિટેડના કન્ટ્રી મેનેજર વીવી વેણુગોપાલ કહે છે કે, “અમે મજૂરોને સાઈટ પર લાવવા માટે જમવાની સાથે બીજા ઈન્સેન્ટિવ આપી રહ્યા છીએ. પ્રવાસી મજૂરોને પાછા લાવવામાં જે મોડું થયું છે તેની ભરપાઈ માટે કંપની નવા લોકોને ટ્રેનિંગ આપી રહી છે. સાથે જ મજૂરોને લાવવા લઈ જવા માટે બસોની પણ વ્યવસ્થા કરી રહ્યા છે.”

લોકડાઉનની શરુઆતમાં મજૂરોને તેમના ઘરે જ રહેવા માટેની કોશિશ કરવામાં આવી, પણ લોકડાઉન વધ્યા પછી તેમને ખાવા-પીવાના ફાંફા પડવા લાગ્યા. આ પછી પ્રવાસી મજૂરો પગપાળા જ પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા.

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (મહારાષ્ટ્ર યુનિટ)ના પ્રેસિડેન્ટ રાજન બંદેલકરે કહ્યું, “મજૂરોની સંખ્યા ઘટવાના કારણે કંસ્ટ્રક્શન પ્રોજેક્ટનું કામ પ્રભાવિત થયું છે. હવે તે પૂર્ણ થવામાં થોડો વધારે સમય લાગી શકે છે.” તેમણે જણાવ્યું કે, મજૂરોને પરત લાવવાની કોશિશો કરાઈ રહી છે. તેના માટે તેમને ફ્લાઈટની ટિકિટ આપવાની પણ તૈયારી બતાવી છે.

સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસ્યો વરસાદ, ક્યાંક ઘરમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક દિવાલ ધરાશાયી
નાણામંત્રી નિર્મલા સીતારમણે માર્ચમાં પ્રવાસી મજૂરો અને ખેડૂતો માટે મફત ખોરાક, ઈંધણ અને રોકડ ટ્રાન્સફરની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે ત્રણ મહિના માટે ગામમાં રોજગાર આપવાનો વાયદો કર્યો હતો. પાછલા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મફતમાં ખાદ્ય સામાન આપવાની યોજના નવેમ્બર 2020 સુધી વધારવાની જાહેરાત કરી છે. ગામમાં રહેતા પ્રવાસી મજૂરોએ ઘરનું ભાડું ચુકવવું નથી પડતું જેના કારણે તેમની બચત વધારે નથી ખર્ચાતી. જ્યારે શહેરમાં રહેતા મજૂરોએ રહેવા પાછળ પણ ખર્ચ કરવો પડે છે.

દેશની મોટી સ્ટાફિંક કંપની ટીમલીઝ સર્વિસિઝ લિમિટેડના બિઝનેસ હેડ (ઈન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ એન્ડ એન્જિનિયરિંગ) સુદીપ સેને કહ્યું કે પ્રવાસી મજૂર ઘણાં જ તકલીફમાં છે. મજૂરોને પરત લાવવા માટે કંપનીઓની કોશિશ રંગ લાવી રહી છે. એક અન્ય રિપોર્ટ અનુસાર ઉત્તરપ્રદેશ અને બિહારથી આવતી ટ્રેન ખીચોખીચ ભરેલી હોય છે, મોટાભાગના પ્રવાસી મજૂરો આ બે રાજ્યોમાંથી આવે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2DiiKrV

No comments:

Post a Comment

Pages